Teble

અત્રે પ્રથમ જિન પિયાજેનો પરિચય આપવામાં આવ્યો છે . ત્યારબાદ તેણે આપેલ જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતની ચર્ચા કરી છે . 
જિન પિયાજેનો જન્મ 9 મી ઑગસ્ટ , 1896 ના રોજ ન્યૂચેટેલ સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો . તેમના પિતા મધ્યયુગીન સાહિત્યના ઈતિહાસકાર હતા . તેમના માતા ગતિશીલ , બુદ્ધિશાળી અને ધાર્મિક પ્રકૃતિનાં હતાં , પરંતુ માનસિક રીતે થોડાં અસ્વસ્થ હતા . આથી કૌટુંબિક જીવન ડહોળાયેલું હતું . તેમની આ માનસિક અવસ્થાને કારણે પિયાજેને

શરૂઆતમાં મનોવિશ્લેષણમાં રસ પડ્યો હતો . પિયાજેના આદર્શ તરીકે સ્વિસ વિદ્વાન સેમ્યુઅલ કોર્નટ હતા , જેમણે પિયાજેમાં તત્ત્વજ્ઞાન અને જ્ઞાનમીમાંસામાં રસ જગાડ્યો હતો . પિયાજે તેમનાં માતા - પિતા પાસેથી ઝીણામાં ઝીણી બાબત અંગે વ્યવસ્થિત રીતે કામ કરવાનો ગુણ શીખ્યા હતા . તેઓ ખૂબ ઝડપથી એક પછી એક સિદ્ધિ પ્રાપ્ત કરતા ગયા હતા . માત્ર પંદર વર્ષની વયે તેમણે પ્રથમ વૈજ્ઞાનિક શોધપત્ર પ્રકાશિત કર્યું હતું અને 22 વર્ષની વયે તેમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી .

 પિયાજેએ પોતાનું ઔપચારિક શિક્ષણ પૂરું કર્યા બાદ મનોવિજ્ઞાનમાં અભ્યાસો શરૂ કર્યા . શરૂઆતમાં ફ્રોઈડ , યુંગ અને અન્ય મનોવિશ્લેષણવાદીઓના વિચારોનો અભ્યાસ કર્યો . પરંતુ તેને પોતાના પેરિસમાં નિવાસ દરમિયાન 1920 માં બીને પ્રયોગશાળામાં થિયોડર સાયમન સાથે કામ કરવાની તક મળી ત્યારથી તેનો રસ જ્ઞાનાત્મક વિકાસ અંગેના અભ્યાસો તરફ વળ્યો . 

જ્ઞાનાત્મક વિકાસનાં સોપાનો : 

બાળકનો અનુભવ વધતો જાય છે , તેમ તેની જ્ઞાનાત્મક સંરચનાઓમાં સુધારાઓ થાય છે અને ત્યારબાદ નવી સંરચનાઓ રચાય છે . આ ફેરફારો વિકાસાત્મક પ્રક્રિયાનું પરિણામ છે . જ્ઞાનાત્મક વિકાસનો અર્થ : “ જ્ઞાનાત્મક વિકાસ એ જ્ઞાનાત્મક સંરચનાઓમાં ક્રમિક અને ગુણાત્મક ફેરફારોની સુસંગત સળંગ શ્રેણી છે . બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે , જ્ઞાનાત્મક વિકાસ એ પ્રવર્તમાન જ્ઞાનાત્મક સંરચનાઓ અને પ્રક્રિયાઓ પર આધારિત ફેરફારો સાથેની તાર્કિક અને ક્રમબદ્ધ થતી પ્રક્રિયા છે . ” 

પિયાજેએ જ્ઞાનાત્મક વિકાસને ચાર તબક્કાઓમાં વિભાજિત કરેલ છેઃ
1. સંવેદન – સ્નાયુલક્ષી તબક્કો
2. પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર તબક્કો
3. મૂર્ત માનસિક ક્રિયાત્મક તબક્કો
4. ઔપચારિક માનસિક ક્રિયાઓનો તબક્કો

પિયાજે જણાવે છે કે , દરેક તબક્કે ચોક્કસ જ્ઞાનાત્મક વિકાસ થાય છે , પરંતુ તબક્કાનો સમયગાળો જડ રીતે નિશ્ચિત નથી . એક તબક્કો પૂરો થાય ; પછી જ બીજો શરૂ થાય તેવું પણ નથી . પરંતુ દરેક બાળક આ ક્રમમાં જ દરેક તબક્કામાંથી પસાર થાય છે . દરેક બાળકની પ્રત્યેક તબક્કો પૂરો કરવાની ઝડપ ભિન્ન હોઈ શકે . 

બૌધ્ધિક કે બોધાત્મક વિકાસ માણસની આગવી ઓળખ છે અને માણસે જ પોતાની આ શક્તિઓ થકી ભાષાને જન્મ આપ્યો છે . ભાષા એક વ્યવસ્થા છે , જે અર્થને ધ્વનિઓ સાથે જોડે છે . આપણે ભાષાની વ્યવસ્થા શીખીએ છીએ ત્યારે ભાષાની અનેક પેટાવ્યવસ્થાઓ શીખીએ છીએ . જેમકે , એ ભાષામાં કયા ધ્વનિઓ છે , એ કેવી રીતે ઉચ્ચારાય છે , કયા ધ્વનિઓ શબ્દની શરૂઆતમાં આવી શકે , કયા ધ્વનિઓ જોડાઈ શકે અને કયા ધ્વનિઓ જોડાઈ ન શકે , આ અંગેના બનેલી વ્યવસ્થાને ધ્વનિવ્યવસ્થા કહેવાય છે . દરેક ભાષાની ધ્વનિવ્યવસ્થા અલગ હોય છે . ભાષાની આટલી અટપટી વ્યવસ્થાને સિધ્ધાંત દ્વારા સમજવાનું અઘરું લાગે છે , જેને આપણે તો સહજતાથી પ્રાપ્ત કરી લઇએ છીએ . મનોવિજ્ઞાનીઓને મન એ રસનો વિષય છે કે બાળક કેવી રીતે ભાષા આત્મસાત્ કરે છે ? તેને ક્યારે ખબર પડે છે કે નારી અને નરજાતિ વચ્ચે ભેદ છે ? , સજીવ અને નિર્જિવ કોને કહેવાય ? , મૂર્ત અને અમૂર્ત બાબતો વચ્ચે ભેદ પાડતાં ક્યારે શીખે છે .... આવા તો અનેક પ્રશ્નોની યાદી બનાવી શકાય . આ બધા પ્રશ્નોના ઉત્તરને પિયાજેએ ચાર તબક્કાઓમાં વહેંચ્યા છે . 

1. સાંવેદનિક - કા૨ક તબક્કો
2. પૂર્વ ક્રિયાત્મક તબક્કો
3. મૂર્ત ક્રિયાત્મક તબક્કો
4. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો  

આ સર્વ તબક્કાઓ વિશે સમજૂતી મેળવીએ .

1. સાંવેદનિક - કારક તબક્કો : 

જન્મ પછી બાળક વાતાવરણના સીધા સંપર્કમાં આવે છે . આ તબક્કામાં તે પોતાના શરીર થકી વિવિધ સંવેદનો ઝીલવાનું કામ કરે છે . તે આ સંવેદનો અને પોતાની ચેષ્ટાઓ સાથે સંબંધો બાંધે છે . કર્મેન્દ્રીયો થકી જોવાના , સાંભળવાના સ્વાદના , સ્પર્શના અને

સુંઘવાના એમ વિવિધ સંવેદનો અનુભવે છે . શરૂઆતના દિવસોમાં તો ફક્ત ચૂસવાની , ગળવાની એવી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ( Relax Actions ) કરે છે . પરંતુ ધીરે ધીરે શારીરિક , માનસિક ક્રિયાના સંબંધો તે સ્થાપવાનું શરૂ કરે છે અને ક્યારે ક્રિયા કરવી તે શીખી જાય છે . આમ જન્મથી બે વર્ષ સુધીના આ ગાળાને સાંવેદનિક -કારક તબક્કો કહે છે . અહીં એનામાં એ ખ્યાલ વિકસ્યો હોતો નથી કે જે વસ્તુ હાજર નથી તેનું પણ અસ્તિત્વ હોય છે . અહીં તેનું બબડવાનું શરૂ થઈ જાય છે . પણ અહીં તેનો ઉપયોગ પ્રત્યાયન માટે નથી થતો , પણ રમતની એક પ્રવૃત્તિ તરીકે થાય છે . વાણી વિકાસની દૃષ્ટિએ એનું મહત્ત્વ એટલા માટે છે કે તે સ્વરતંત્રને પ્રારંભિક વ્યાયામ કરાવે છે , જેથી બીજાના બોલેલા શબ્દોનું તે અનુકરણ કરી શકે . 

1. પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર તબક્કો ( 2 વર્ષથી 7 વર્ષ ) : 
પિયાજેએ આ તબક્કાને પૂર્વ ક્રિયાત્મક તબક્કા તરીકે ઓળખાવેલ છે . કારણ કે આ તબક્કામાં બાળક એક દિશામાં માનસિક ક્રિયા કરી શકે છે , જે દિશામાં માનસિક ક્રિયા કરી હોય તેનાંથી વિરુદ્ધ દિશામાં ક્રિયા કરી શકતું નથી . 7 નો વર્ગ 49 થાય તે સમજી શકે પણ તેને સંખ્યા 49 આપેલ હોય , તો તે 7 નો વર્ગ છે તેનોં ખ્યાલ ન આવે . એટલે કે આ બન્ને એકબીજા સાથે સંકળાયેલ છે , તેવો ખ્યાલ આ તબક્કે વિકસ્યો હોતો નથી . આ તબક્કાના વિકાસનાં મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે : 
(1) આ તબક્કામાં તેનોં ભાષા વિકાસ ઝડપી હોય છે . બે વર્ષની ઉંમર સુધીમાં માંડ બસ્સો શબ્દોનું ભંડોળ ધરાવનાર બાળક આ તબક્કો પૂરો કરે ત્યાં સુધીમાં તેની માતૃભાષાના 5000 શબ્દોથી પણ વધુ શબ્દોનું ભંડોળ ધરાવતું થઈ જાય છે . જો કે આ તબક્કો તેનાં બોલીના શબ્દોના વિકાસનો છે . આ શબ્દો તેને શીખવવા પડતા નથી . પિયાજે જણાવે છે કે આ તબક્કામાં બાળકોનો શબ્દોનો ઉપયોગ છેતરામણો હોય છે . નાનું બાળક શબ્દપ્રયોગ કરે ત્યારે ખરેખર જે વસ્તુ માટે તે વાપરવો જોઈએ તેને માટે જ તે વાપરે તેની ખાત્રી નથી હોતી .

( 2 ) અહમ્ કેન્દ્રિતા એ આ તબક્કાનું બીજુ લક્ષણ છે . તે એવું માને છે કે , પોતે જે વિચારે છે એ જ બધા વિચારે છે . એટલે કે પોતે જે વિચારે છે તે સાચું જ છે . આથી પોતે ખોટું વિચારે છે તેવું માનવા તૈયાર નથી . પરિણામે તે બીજાના વિચારોને સ્વીકારી શક્યું નથી . વિચારોનું આ અહમ્ - કેન્દ્રિતપણું જ્યારે તે સમવયસ્કોના સંપર્કમાં આવે છે અને તેઓના વિચારો સાથે પોતાના વિચારોનો સંઘર્ષ અનુભવે છે ત્યારે ધીમે ધીમે દૂર થાય છે . 

( 3 ) સાતત્યના ખ્યાલનો વિકાસ થયો હોતો નથી . પાંચ – છ વર્ષના બાળકને આઠ – આઠ સિક્કાઓ સમાંતર હારમાં ગોઠવી કહેવામાં આવે કે આ બન્ને હારમાં સરખી સંખ્યામાં સિક્કા છે . ત્યારબાદ એક હારના સિક્કા તેની નજર બહાર ખસેડીને તે હારને બીજી હાર કરતાં લાંબી બનાવીને પૂછવામાં આવે કે હવે બન્ને હારમાં સિક્કાની સંખ્યા સરખી છે કે કેમ ? ત્યારે બાળક લાંબી હારમાં વધુ સિક્કાઓ હોવાનું જણાવશે . તેનાં મનમાં એવો ખ્યાલ જોડાયેલ છે કે લંબાઈ જેમ વધુ તેમ સંખ્યા વધુ . અર્થાત્ આ તબક્કે તેનાં વિચારો તાર્કિક બન્યાં હોતા નથી . માત્ર ‘ પ્રત્યક્ષીકરણ ’ પર તેના નિર્ણયો આધારિત હોય છે . 

( 4 ) નવું જાણવાની કુતૂહલવૃત્તિ વધુ હોય છે . આથી સતત પ્રશ્નો પૂછ્યા કરે છે . 

( 5 ) 2 થી 5 વર્ષ દરમિયાન બાળક આપેલ વસ્તુઓને જુદાં જુદાં વર્ગોમાં વર્ગીકૃત કરવા માટે ચોક્કસ નિયમ કે ગુણધર્મ સાતત્યપૂર્ણ રીતે ઉપયોગમાં લેવામાં નિષ્ફળ જાય છે . 5 થી 7 વર્ષ દરમિયાન બાળક વસ્તુઓનું ચોક્કસ ગુણધર્મો નક્કી કરીને વર્ગીકરણ કરી શકે છે . વર્ગીકરણના એકથી વધુ લક્ષણો હોય ત્યારે શ્રેણીબદ્ધ વર્ગીકરણ કરી શકે છે . 

( 6 ) 2 થી 5 વર્ષની ઉંમરનું બાળક વસ્તુઓને તેની લંબાઈના આધારે ક્રમમાં ગોઠવી શકતું નથી . પરંતુ 5 થી 7 વર્ષનું બાળક આવી ગોઠવણી કરી શકે છે . અર્થાત્ પાંચથી સાત વર્ષની ઉંમર દરમિયાન ક્રમનો ખ્યાલ વિકાસ પામે છે , પરંતુ બે અલગ હારમાં ગોઠવેલ બે અલગ – અલગ વસ્તુઓની સમકક્ષતા નક્કી કરી શકતા નથી .

( 7 ) આ તબક્કે બાળકના વિચારો એકમાર્ગીય અને મર્યાદિત માહિત પર કેન્દ્રિત હોય છે . 

( 8 ) આ તબક્કે બાળકમાં સાતત્ય , પરિવર્તનીયતા , કે વિકેન્દ્રિતતાના ખ્યાલો વિકસ્યા નથી ; છતાં તે મહત્ત્વની બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવે છે . સાતત્યના પ્રયોગમાં પ્રવાહી એક વાસણમાંથી બીજા વાસણમાં નાખવામાં આવે ત્યારે તે કહે છે કે બીજા વાસણમાં પ્રવાહીના જથ્થામાં ફેરફાર થયો છે , પરંતુ તેને એ તો ખ્યાલ છે કે તે બન્ને વાસણમાં પ્રવાહી તેનું તે જ છે . પડદાની દોરી ખેંચવાથી પડદો ખુલે છે તે ક્રિયા જોઈને ખેંચવું અને ખુલવું આ બન્ને ક્રિયાઓ પરસ્પર જોડાયેલી છે તે સમજી શકે છે . 

2. મૂર્ત માનસિક ક્રિયાત્મક તબક્કો ( Concrete Operational ) ( 7 થી 11 વર્ષ ) : 
આ તબક્કો મૂર્ત માનસિક ક્રિયાઓના તબક્કા તરીકે ઓળખાય છે , કારણ કે આ તબક્કા દરમિયાન બાળક ‘ મૂર્ત ’ સમસ્યાઓને તાર્કિક રીતે ઉકેલી શકે છે . મૂર્તનો અર્થ થાય છે વસ્તુ કે ઘટનાની વાસ્તવિક હાજરી . આ તબક્કે બાળક સામે પદાર્થો મૂર્ત સ્વરૂપમાં મૂકીને સમસ્યાઓ રજૂ કરવામાં આવે તો , તે અત્યાર સુધી જે માનસિક ક્રિયાઓ કરી શકતું ન હતું તે પૈકી હવે નીચેના જેવી કેટલીક માનસિક ક્રિયાઓ કરી શકે છે : 

( 1 ) આ તબક્કે બાળક આપેલ વસ્તુઓનું શ્રેણીબદ્ધ વર્ગીકરણ કરી શકે છે . સાથોસાથ વર્ગીકરણના કોઈ પણ તબક્કે આપેલ વસ્તુઓ સિવાયની આપેલ અન્ય વસ્તુઓ પૈકી કઈ વસ્તુ તેમાં ઉમેરી શકાય તે અંગે નિર્ણય લઈ શકે . વર્ગીકરણના કોઈપણ તબક્કે ‘ સમગ્ર ’ અને ‘ ભાગ’ના ખ્યાલો સ્પષ્ટ બન્યાં હોય છે . અર્થાત્ આ તબક્કે નક્કર વસ્તુઓનું વર્ગીકરણ કરવાની અને વર્ગીક ૨ ણની શ્રેણીની કક્ષાઓ વચ્ચેનો સંબંધ સ્થાપવાની ક્ષમતા વિકાસ પામી હોય છે . 

( 2 ) ક્રમનો ખ્યાલ વધુ વિકાસ પામ્યો હોય છે . મૂર્ત વસ્તુઓને ક્રમમાં ઝડપથી ગોઠવી શકે છે , બે અલગ - અલગ હારના ઘટકો વચ્ચે એક – એક સંગતતાનો સંબંધ નક્કી કરે છે અને આ સંબંધમાં સાતત્ય પણ વિકાસ પામે છે .

 ( 3 ) સંખ્યાની દૃષ્ટિએ સમાન બે સમૂહો રચી શકે છે , અને તે બન્ને સમૂહોના સભ્યોનું સ્થાનાંતર કરવામાં આવે તો પણ તેની સંખ્યા સમાન હોવાનો ખ્યાલ વિકાસ પામે છે . 

( 4 ) બાળકમાં પ્રવાહીના જથ્થાના સાતત્યનો ખ્યાલ વિકસે છે . જુદા જુદા આકારમાં પ્રવાહીનો જથ્થો સમાન રહે છે , તેનાં કારણો આપી શકે છે . 

( 5 ) સમસ્યાના ઘણાં પાસાંઓ પર એક સાથે ધ્યાન આપી શકે છે અને તેઓની વચ્ચેનો સંબંધ નક્કી કરી શકે છે . 

( 6 ) પરિસ્થિતિમાં થતા ફેરફારો પર ધ્યાન આપી શકે છે . સરખી સંખ્યાવાળી બે હારમાંથી એકમાં વસ્તુઓને છૂટી પાડીએ તો તેને ખ્યાલ આવે છે કે એક હારની લંબાઈ બીજી કરતાં વધી છે , પરંતુ વસ્તુઓ વચ્ચેની જગ્યા પણ વધી છે . 

( 7 ) પારસ્પરિક સંબંધનો ખ્યાલ વિકાસ પામે છે . તે વિચારી શકે છે કે એક ગ્લાસ લાંબો અને પાતળો છે , બીજો ટૂંકો અને પહોળો છે . એક તફાવત બીજા તફાવતને સમતોલ કરે છે . 

3. ઔપચારિક માનસિક ક્રિયાઓનો તબક્કો ( Formal Operational Stage ) ( 11 થી 15 વર્ષ ) : 
પિયાજેએ આ તબક્કાને ઔપચારિક ક્રિયાઓનો તબક્કો ગણાવેલ છે . કારણ કે બાળકો હવે ઔપચારિક તાર્કિકતા માટે જરૂરી ઊલટસુલટ પ્રક્રિયાઓ કરી શકે છે . આ તબક્કો એવો છે કે તેમાં પુખ્ત વિચારની મોટાભાગની લાક્ષણિકતાઓ વિકાસ પામે છે . 
તરુણોની તાર્કિકતાના વિકાસ સંબંધિત અસંખ્ય પ્રયોગો કર્યા હતા . જેમા તેણે પોતે વિકસાવેલ આધુનિક Clinical method નો ઉપયોગ કર્યો હતો . આ વિશિષ્ટ અભ્યાસોમાં તેણે ભૌતિકશાસ્ત્ર , રસાયણશાસ્ત્ર , અને અન્ય શાસ્ત્રો સંબંધી સમસ્યાઓ અનેક તરુણોને આપી . દરેક તરુણને સાધનો કે વસ્તુઓ આપવામાં આવી . તેઓને તે દરેક સાધન કેવી રીતે કામ કરે છે તે સમજાવવાનું કહેવામાં આવેલ . પિયાજેએ તરુણોએ આપેલ જવાબો અને સાધનો સાથે કરેલ કામ અંગેના અવલોકનોની કરેલ વિગતપૂર્ણ નોંધના આધારે તારવેલાં અગત્યનાં તારણો આ પ્રમાણે હતાઃ

( 1 ) કોઈ પણ પરિસ્થિતિમાં રહેલ સંભવિતતાની કલ્પના કરી શકવાની ક્ષમતા વિકસે છે . કોઈ પણ કાર્ય કરતાં પહેલાં કાર્યનું વિશ્લેષણ કરે છે , અને પરિણામ અંગે ઉત્કલ્પના બાંધે છે . આ ઉત્કલ્પનાઓ ચકાસવા માટે પ્રયોગ યોજના તૈયાર કરે છે . પ્રયોગનાં પરિણામોનું ચોક્સાઈપૂર્વક અવલોકન કરે છે અને યોગ્ય તારણો મેળવે છે . તારણો માટે કારણો આપી શકે છે અને હકીકતોને નવાં અર્થઘટનો આપી શકે છે . 

( 2 ) તરુણો સમતુલિતતાના ઉચ્ચતર સ્તરે પહોંચ્યા હોય છે . તેની જ્ઞાનાત્મક સંરચનાઓ એટલે સુધી વિકાસ પામી હોય છે કે અનેક પ્રકારનાં પ્રશ્નો – સમસ્યાઓ અસરકારક રીતે તેની સાથે બંધબેસતા કરી શકે છે . આ સંરચનાઓ નવી પરિસ્થિતિઓનું સહેલાઈથી પરિપાચન કરવા માટે પૂરતી સ્થિર થયેલી હોય છે . આથી તરુણોએ પોતાની સંરચનાઓને નવી સમસ્યાઓના સંદર્ભમાં તદ્યોગ્યતા સ્થાપન કરવા માટે વધારે પડતી ફેરવવી પડતી નથી . એનો અર્થ એ પણ નથી કે 16 વર્ષે તરુણોનો જ્ઞાનાત્મક વિકાસ પૂરો થઈ જાય છે . તેણે હજુ ઘણું શીખવાનું બાકી રહે છે . છતાં પિયાજે ભારપૂર્વક જણાવે છે કે તારુણ્યના અંત સુધીમાં તેની વિચારવાની રીતો એટલે કે તેની જ્ઞાનાત્મક સંરચનાઓ લગભગ પૂર્ણપણે બંધાઈ ચૂકી હોય છે . 

( 3 ) તરુણોના વિચારો લવચીક હોય છે . તેની પાસે સમસ્યાને ઉકેલવા માટે મોટી સંખ્યામાં બોધાત્મક ક્રિયાઓ પ્રાપ્ય હોય છે . વિચારો વધુ ચંચળ હોય છે અને સમસ્યાને અનેક રીતે જુદાં જુદાં સંદર્ભમાં ઉકેલી શકે છે . 
( 4 ) અન - અપેક્ષિત પરિણામોથી મૂંઝાતા નથી ; કારણ કે તેણે અગાઉથી જ તમામ શક્યતાઓ વિચારી લીધી હોય છે . 

( 5 ) તે બન્ને દિશામાં વિચાર કરવાની ક્ષમતા ધરાવે છે . અર્થાત્ વિચાર એક દિશામાં આગળ વધે છે અને તે જ સોપાનો પરથી પસાર થઈને મૂળ સ્થાને આવી શકે છે .

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...