Teble

1. વર્ણ

આપણે રોજે રોજ સતત ભાષાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ ભાષાના કેટલાંક ઘટકો હોય છે. જેમ કે આપણે જે વાતચીત કરતાં હોઈએ છીએ એ વાક્યોની બનેલી હોય છે, વાક્યો શબ્દોથી રચાય છે અને આ શબ્દો પાછા વર્ણના બનેલા હોય છે. આમ, ભાષા મુખમાંથી નીકળતા ધ્વનિઓનું બનેલું એક વ્યવસ્થાતંત્ર છે. 
પરંતુ ભાષા વ્યવસ્થાની એક બાબત નોંધવા જેવી છે. વાચચીત વાક્યો કે શબ્દ વડે અર્થ વ્યક્ત થતો હોય છે. એટલે કે આ ઘટકો સ્વયં અર્થ ધરાવનાર છે . પણ વર્ણનો અર્થ હોતો નથી. વર્ણીના જોડાણથી અને ગોઠવણીથી અર્થ ધરાવનાર શબ્દ એકમો રચાય છે. જેમ કે નમન આ વગેરે વર્ણો પોતે કશો અર્થ ધરાવતા નથી પરંતુ એમને જોડવાથી ‘નમન’ ‘મનન’ વગેરે જેવાં શબ્દ એકમો રચાય છે. જે અર્થ ધરાવે છે . 
આમ, વર્ણ વિષે કેટલીક બાબતો આ રીતે તારવી શકાય. 
1. વર્ણો મુખમાંથી નીકળતા ધ્વનિઓ ( અવાજો ) હોય છે. 
2 . બધા જ ધ્વનિઓ વર્ણો નથી હોતાં ( દા.ત. ગુજરાતી ભાષામાં ખોંખારો, ડચકારો જેવાં ધ્વનિઓ વર્ણો નથી. ‘ ક ’ ‘ મ ’ ‘ વ ’ વગેરે વર્ણો છે. ) 
3. વર્ણોના જોડાણ અને ગોઠવણીથી અર્થદર્શક શબ્દ એકમો રચાય છે. 
4. વર્ણ એ ભાષાનો નાનામાં નાનો ઘટક છે. 

2. ધ્વનિ 

આપણે ભાષાના ધ્વનિને જોવાના છે. એટલે ભાષાની એક વ્યાખ્યા જોતાં ભાષા શું છે ? તેનો ખ્યાલ આવશે. 

“ ભાષા એટલે માનવસમાજમાં સહકાર અને વ્યવહાર માટે વપરાતું યાદચ્છિક ઉચ્ચાર્ય સંકેતોનું સંઘટિત તંત્ર ’’

આમ જોતાં ભાષામાં એ ઉચ્ચાર્ય સંકેતોનું વ્યસ્થિત તંત્ર છે. આ ભાષાના સંકેતો ધ્વન્યાત્મક છે. એટલે ધ્વનિનું સ્વરૂપ સમજવું પડે . આ ધ્વનિએ ભૌતિક ઘટના છે. વિશ્વમાં તો અનેક પ્રકારના ધ્વનિઓ છે. આ બધા ધ્વનિઓ આપણા અભ્યાસનો વિષય ન બનાવી શકીએ. પરંતુ આપણે તો માન્ય ગુજરાતી ભાષામાં જે ધ્વનિઓનો ઉપયોગ થાય છે, જેને વાચિક ધ્વનિ કહીએ છીએ તેનો અભ્યાસ જોઈશું. 
ગુજરાતી ભાષામાં ‘ખોંખારો’, ‘ડચકારો’ને ધ્વનિ ગણી શકાય ? એવો પ્રશ્ન ઊભો થાય. પરંતુ આપણે અન્ય ધ્વનિઓ અને તેમની વચ્ચેનો તફાવત જોઈએ તો માલૂમ પડશે કે, એ ધ્વનિઓ ન ગણી શકાય . ક , ખ , ગ , વગેરે વાચિક ધ્વનિ છે. કેમ કે તે ભાષાની વ્યવસ્થામાં ઘટક તરીકે સ્થાન પામેલા છે. જેમ કે ‘ પ ’ પછી ‘ ગ ’ આવે તો તે એક સંકેત છે. જેનો અર્થ છે, મનુષ્યના શરીરનું એક અંગ ‘ પગ ’. ‘ બા ’ પછી ‘ ૫ ’ આવે તો તે પણ એક સંકેત છે. જેના અર્થ છે , બાળકનો પાલક એવો ‘ બાપ ’. આમાં ‘ ૫ ’ એક ઘટક તરીકે ભાગ ભજવે છે. તેના પછી અમુક ધ્વનિ આવે તો અમુક અર્થ થાય. એના પહેલાં અમુક ધ્વનિ આવે તો અમુક અર્થ થાય. ટૂંકમાં, ગુજરાતી ભાષામાં ‘ ૫ ’ અનેક ધ્વનિઓ સાથે યોજતાં અર્થના વિવિધ સંકેતો નીપજે છે. એટલે‘૫’ એ ગુજરાતી ભાષાનો ઘટક છે. 
 બીજી બાબત એ છે કે, ધ્વનિ અર્થથી મુક્ત હોવો જોઈએ. નહીં તો બીજી જગ્યાએ ઉપયોગ નહીં થાય. જેમ કે ‘ પ ’ નો કોઈ એક અર્થ થતો નથી. તે અર્થથી મુક્ત છે. તેને ગમે તે ધ્વનિ સાથે યોજતાં જ અર્થ તો નીકળે જ છે. જો દરેક ધ્વનિને પોતાના સ્વતંત્ર અર્થે હોય તો તેનું ચલણ ભાષામાં મુશ્કેલીમાં મૂકી દે. તે નિશ્ચિત અર્થમાં જ વપરાય બીજે નહીં, જેમ કે ‘લાલબત્તીનો સંકેત' ભયની નિશાની જ બતાવે તે બીજી કુશળતાની નિશાની ન જ બતાવી શકે. 
આમ, આ બંને રીતે ‘ ડચકારો ’ અને ‘ ખોંખારો ’ તપાસીએ તો માલૂમ પડશે કે, ‘ ત ’ પછી ડચકારો કે ખોંખારો પ્રયોજતાં કે, ડચકારા પછી ‘ ત ’ પ્રયોજતાં કોઈ અર્થ નીકળતો નથી. વળી બીજી શરત પ્રમાણે ‘ ખોંખારો ' અર્થથી મુક્ત નથી. તેનાથી આપણે ચોક્કસ એક અર્થ માનીએ છીએ. આમ જોઈએ તો ડચકારો, ખોંખારો ગુજરાતી ભાષાના વાચિક ધ્વનિ નથી, બીજી ભાષામાં કદાચ હોઈ શકે.

હવે આ ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય છે, તે જોઈએ. ફેફસામાંથી નીકળતી હવા કોઈ પણ સ્થાન સાથે અવરોધાઈને મુખ વાટે બહાર નીકળી બહારની હવા સાથે ઘર્ષણ પામી આંદોલિત થાય છે. તેથી તેનું અવાજમાં પરિવર્તન થાય છે. જેને આપણે ધ્વનિ કહીએ છીએ. જ્ઞાનેન્દ્રિય સતેજ થતાં આપણે એ ધ્વનિ ઓળખીએ છીએ , સમજીએ છીએ. 
 આમ, ધ્વનિ એ આંદોલિત થયેલી ઘર્ષણયુક્ત હવા છે એમ કહી શકાય. આ ધ્વનિ એક સંકેત સ્વરૂપ છે. તે સંકેતોને વ્યવસ્થિત અર્થયુક્ત રીતે મૂકતાં વર્ણનો ખ્યાલ આવે છે.

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...